અમર વિરત્વ હમીરજી ગોહિલ


- અમર વિરત્વ હમીરજી ગોહિલ

ભલે યુગોના સમય વિત્યા કરે, બદલાયા કરે, પરંતુ માણસની ખાનદાની, ખુમારી અને ધરા કાજે, કોઇ ધરમ કાજે, કોઇ વટ વચન ગાય માતને કાજે, કે પછી અન્યાય સામે ધીંગાણે ચડી પાળીયા બની ગયેલા વિરોનો ઈતિહાસ હમેશા રહેવાનો છે, સૌરાષ્ટ્રની ધરતી ઉપર ઘણા માનવ રત્નો જન્મ્યા છે જે ઓની ખાનદાની અને ખુમારી આજે પણ સૌરાષ્ટ્રની ધરામાં ધરબી પડી છે,

નેક, ટેક અને ધરમની જ રે, અને વળી પાણે પાણે વાત,
ઈ તો સંત ને શૂરાના બેસણાં, અમ ધરતીની અમીરાત,

આજે જેમની વાત કરવી છે તે ગુજરાતના ઘુઘવતા અરબી સમુદ્ર કિનારા પાસે બિરાજમાન ભગવાન સોમનાથ મંદિરના ઈતિહાસમા સુવર્ણ અક્ષરોમા લખાયેલ છે, ધરમની રક્ષા કાજે યુધ્ધે ચડેલા મીઢોડ બંધા રાજપુતની આજે વાત માડવી છે. જેમનું નામ સોમનાથ મંદિરના ઈતિહાસમા અમર બની ગયું છે, ભગવાન સોમનાથ મંદિર પરીસરમા પ્રવેશતા પ્રથમ ડેરી તેમની છે, કવિએ અટલે તો કહ્યું છે...,

"ધડ ધીગાણે જેના માથા મસાણે
એના પાળિયા થઈને પુજાવું
ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થવું."

ભગવાન સોમનાથના સાનિધ્યમા જેમનું સ્થાન છે એવા અમર વીરત્વ રાખનાર રાજપુત યોધ્ધાનું નામ હમીરજી ગોહિલ છે, ભીમજી ગોહિલના સૌથી નાના દિકરા હમીરજી ગોહિલ કે જેમનું નામ હિન્દુ ધર્મની રક્ષા માટે ભગવાન સોમનાથ મંદિરના ઈતિહાસમા અમર બની ગયું છે.

"જો જાણત તુજ હાથ સાચાં મોતી વાવશે
'વવરાવત દી રાત તો તુંને ! દેપાળદે..!! "

ભારત દેશની પશ્ચિમે ગુજરાતના અમરેલી જિલ્લામાં આવેલુ અરઠીલા ગામ છે. આ પ્રદેશ ગોહિલવાડ તરીકે ઓળખાય છે. આમ અરઠીલા ગામના ભીમજી ગોહિલના ત્રણ કુંવર જેમાં દુદાજી, અરજણજી અને હમીરજી થયા, ગામ અરઠીલા અને લાઠીની ગાદી દુદાજી સંભાળતા, ગઢાળીના ૧૧ ગામ અરજણજી સંભાળતા અને સૌથી નાના પુત્ર હમીરજી સમઢીયાળા ગામની ગાદી સંભાળતા હતા. આમ સૌરાષ્ટ્ર પ્રદેશનાં ગોહિલવાડના રાજકુંટુંબમાં જન્મ લઈને પોતાના કુળને છાજે તે રીતે જીવન જીવી રહ્યા હતાં. આમ તો હમીરજી ગોહિલ કવિ કલાપી તરીકે પ્રખ્યાત થયેલ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલના પુર્વજ હતા.

અરજણજી અને હમીરજી બંને ભાઈઓને અંતરે ગાંઠયુ હતી. બન્ને ભાઈને એક બીજા સાથે ખુબજ પ્રેમ હતો. એક દિવસ બન્યું એવુ કે ગઢાળીના દરબાર ગઢમા બે કુકડા વચ્ચે લડાઈ જામી છે. લડાઈમા બંને કુકડા લોહી લુહાણ થઈ ગયા હતા એમાનો એક કુકડો અરજણજીનો અને બીજો હમીરજીનો હતો, બંને પક્ષે સામ સામે પડકારા દેવાઈ રહ્યા છે. હવે બન્યું એવુ બંને કુકડામાંથી અરજણજીનો કુકડો લડતા લડતા ભાગી ગયો. કુકડો લડાઈ છોડી ભાગી જતા પોતાનો પરાજય જોઈ અરજણજી ઉકળી ઉઠ્યા અને ઊભા થઈને હમીરજીના કુકડાને માથે સોટીના ઘા મારવા લાગ્યા. કુકડાને મારતા જોઈને હમીરજી બોલ્યા કે, ભાઈ, આ તો રમત કહેવાય તેમાં એક જીતે તો બીજો હારે એમાં રોષ સાનો જો તમને ગુસ્સો આવ્યો હોય તો મને મારો ; બિચારા કુકડાનો શું વાંક ?

હમીરજીની વાત સાંભળીને અરજણજી અકળાઈ ઉઠયા કહયુ કે તનેય હમણા ફાટય આવી છે જા, હાલી નીકળ અને જયાં સુધી મારૂ નામ સંભળાય ત્યાં સુધી ક્યાંય રહેતો નહી. આમ નાની બાબતે અરજણજીએ પોતાના નાના ભાઈને જાકારો આપ્યો. અરજણજી જે બોલ બોલ્યા તેનો હમીરજીને ભારે આઘાત લાગી ગયો. નાની વાતનુ વતેસર થઈ ગયુ. હમીરજી સાથે ૨૦૦ જેટલા મર્દ રાજપુત ભાઈબંધો હતા. હમીરજી પોતાના ભાઈબંધો સાથે રાજસ્થાનના મારવાડ પંથકમા ચાલ્યા ગયા. આમ નજીવી બાબતે ભાઈ સાથે વાત બગડતા નાની ઉમંરે હમીરજીએ પોતાનુ ઘર છોડ્યું હતું.

"ઘર આંગણીયે રોજ તડકો છાંયડો હોય,
સુખ દુઃખ ના વારા નહી, બચી શકે ના કોય."

મહમદ તઘલખ તે સમયે દિલ્હીની ગાદી પર શાસન કરતો હતો, જુનાગઢમાં પોતાના સુબા સમસુદીનનો પરાજય થતા બાદશાહ તઘલઘે સમસુદીનની જગ્યાએ બદલીને ઝફરખાનને ગુજરાતનો સુબો બનાવ્યો ઝફરખાન મુળ રાજસ્થાનનો પણ સમય જતા સુબામાંથી ગુજરાતનો સ્વતંત્ર બાદશાહ બની બેસી ગયો. હિન્દુ ધર્મનો અને મૂર્તિ પુજાનો ઝફરખાન કટ્ટર વિરોધી હતો. ઝફરખાને સોમનાથમાં બાદશાહી થાણુ સ્થાપી રસુલખાન નામના અમલદારને સોમનાથનો થાણેદાર બનાવ્યો હતો. હમેશાથી ઝફરખાનની નજર સોમનાથ પર હતી કેમ કે સોમનાથ હિન્દુઓની આસ્થાનું મંદિર તો ખરું સાથે ભગવાન મહાદેવના બાર જ્યોતિલીંગમા પ્રથમ સોમનાથ હતું.

હિન્દુ ધર્મના કટ્ટર વિરોધી ઝફરખાને ફરમાન જાહેર કર્યું " હિન્દુઓને સોમનાથ મંદિરમા એકત્ર થવા દેવા નહી " પરંતુ એજ સમયે શિવરાત્રીનો તહેવાર આવતો હોય સોમનાથ મંદિરે શિવરાત્રીનો મેળો ભરાયો હતો રસુલખાન અને તેના સાગ્રીતો શિવરાત્રીના મેળામા આવી લોકો સાથે મારઝુડ કરી લોકોને વિખેરવા લાગ્યા હતા, બાળકો અને મહિલાઓ પર અત્યાચાર કરી રહ્યા હતા, આથી પરિસ્થિતિ વણસી ગઈ લોકો ઉશ્કેરાઈ ગયા રસુલખાનને પરીવાર અને સાગ્રીતો સાથે જ મારી નાખવામા આવ્યો.

રસુલખાનને મારી નાખવામા આવ્યો સમાચાર ઝફરખાનને મળતા ખાન કાળઝાળ થઈ ગયો અને સૌરાષ્ટ્રને હાથીના પગ નીચે કચડી નાખવા સળવળી ઊઠયો. બાદશાહ ઝફરખાનના મનમા કટ્ટર હિન્દુ વિચારની ધીમી આગ સોમનાથમા રસુલખાનની મોતે